You are here
Home > Articles >

૯ મે ના રોજ ગાઈડલાઇન્સ મા સુધારો અને હાલ અમદાવાદ શહેરમા રિકવરી રેટમા ૧૪૦ ટકાનો સુધારો : શું આ બંને ઘટના એકમાત્ર સંયોગ છે કે પછી ?

મિત્રો, હાલ સમગ્ર ગુજરાત રાજ્યમા કોરોનાની સૌથી વધુ ગંભીર સમસ્યા અમદાવાદ શહેરમા છે. અમદાવાદ હાલ ટોચના સ્થાન પર છે. અહી કોરોનાની સ્થિતિ અત્યંત દયનીય છે. સરકાર દ્વારા આ સ્થિતિને નિયંત્રણમા લેવા માટે હાલ અમુક પગલા લેવામા આવ્યા છે. હાલ, તંત્ર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, શહેરમા તંત્ર દ્વારા લેવામા આવેલા સચોટ પગલાના કારણે હાલ અમદાવાદ શહેરમા કોરોનાની સમસ્યા ઘણી નિયંત્રણમા આવી ગઈ છે. હાલ, અહી આશ્ચર્યજનક રીતે ૧૪૦% રિકવરી રેટ સુધર્યો છે.

આવામા એકાએક આટલો મોટો રિકવરી આંક જોઈને હાલ સમગ્ર ગુજરાત રાજ્યમા સન્નાટો છવાઈ ગયો છે અને હાલ દરેક જગ્યાએ ફક્ત આ એક જ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે કે આવુ કેવી રીતે શક્ય બની શકે? ત્યારે આ સંદર્ભે અમુક ગણતરીઓ સામે આવી હતી. અમદાવાદમા કોરોનાવાયરસ ના કારણે જે હાહાકાર મચ્યો છે તેના કારણે તંત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ઠપકો ખાઈ ચૂક્યું છે એવા પણ અહેવાલ સામે આવ્યા છે.

એવામા હાલ અમદાવાદ શહેરમા કોરોનાની સમસ્યા સામે યુદ્ધનુ સુકાન પદ સાંભળનાર આઈ.એ.એસ. અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ હાલ દાવો કર્યો છે કે, શહેરના એ.એમ.સી. કમિશનર મુકેશ કુમાર, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે મળીને એક નવી યોજના તૈયાર કરી છે જે મુજબ અમદાવાદ શહેરમા હાલ કોરોનાના રિકવરી રેટમા ૧૪૦% જેટલો જંગી સુધારો થઈ રહ્યો છે.

 

સૌથી પહેલા તો એ પ્રશ્ન છે કે રિકવરી રેટ શું છે?

કોઈપણ જગ્યાના કુલ કોરોનાના પોઝિટિવ કેસમાંથી રિકવર થઇ ચુકેલા દર્દીઓના દરને રિકવરી રેટ તરીકે ઓળખવામા આવે છે. ગુજરાતનો રિકવરી રેટ ૨૧ મે ના આંકડા અનુસાર ૩૮.૧% છે એટલે કે જો રાજ્યમા ૧૦૦ પોઝિટિવ કેસ છે તો તે ૧૦૦ કેસમાંથી ૩૮.૧ દર્દીઓ કોરોના ની સમસ્યા ને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

તો પછી એકાએક આ આંકડામા ૧૪૦% નો સુધારો કેવી રીતે નોંધાયો?

તંત્ર દ્વારા આ વાતને સમજાવવા માટે ૫ મે ના આંકડાનો સંદર્ભ લેવામા આવ્યો. જે મુજબ રાજ્યમા ૫ મેના રોજ ૧૦૦ માંથી ૧૫.૮૫ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરી રહ્યા હતા, જે હાલ વધીને ૩૮.૧% થઇ ચૂક્યો છે. એટલે જો આ આંકડાઓ ને સરખાવીને જો ગણતરી કરવામા આવે તો ૫ મે થી લઈને અત્યાર સુધીમા ૨૨.૨૫ ટકા નો વધારો થયો છે. પરંતુ, આ ૧૪૦% નો આંકડો ટકાવારીના વધારાની ટકાવારી છે. આ વિચિત્ર અંકગણિતની રમતમા ૧૪૦%નો આંકડો સામે કેવી રીતે આવી રહ્યો છે.

તંત્રના મત મુજબ આ સફળતા માટે તંત્રએ સર્વેલન્સ ટીમ અને સર્વેલન્સ રેટમા કરેલો વધારો જવાબદાર છે. સરકાર દ્વારા ખાનગી ૪૨ હોસ્પિટલોમા ૫૦% બેડ કોરોના માટે જાહેર કર્યા તથા તેમનો ખર્ચ પણ એ.એમ.સી. દ્વારા ભોગવવામા આવી રહ્યો છે. આ ઉપરાંત ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સ દોડાવાને કારણે પણ આ સફળતા હાંસલ થઈ છે તેવો દાવો કરવામા આવ્યો છે.

પરંતુ, હાલ લોકોમા ચર્ચા જે મુજબ થઈ રહી છે તે મુજબ આ આંકડાની રમત સમજવા માટે કેન્દ્ર સરકારની એક ગાઈડલાઈન ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહી છે. તંત્ર જે ૫ મે ના આંકડાને સંદર્ભ બનાવી રહી છે તેના ૪ દિવસ બાદ એટલે કે ૯ મી મે ના રોજ સરકાર દ્વારા ડિસ્ચાર્જ કરવામા આવતા દર્દીઓની ગાઇડલાઇન્સમા સુધારો કર્યો હતો.

આ ગાઈડલાઈન મુજબ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા પોઝિટિવ દર્દીઓને નિરંતર ૩ દિવસ સુધી તાવ ના આવે તો તે દર્દીઓને લક્ષણો શરુ થયાના ૧૦ દિવસમા ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. એટલે કે આ દર્દી કોરોનાથી સાજો થઇ ગયો છે તેમ ગણાશે અને તેને કોરોના નેગેટિવ છે કે નહી તેનો ટેસ્ટ પણ કરવામા આવશે નહી.

અત્રે નોંધનીય છે કે, અમુક નિષ્ણાતો દ્વારા આ નિર્ણય મુદ્દે ચેતવણી પણ આપી હતી કે, આ દર્દીઓને ટેસ્ટ કર્યા વગર નેગેટિવ જાહેર કરવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી શકે છે કારણકે, સમગ્ર વિશ્વમા અનેક એવા દર્દી પણ છે કે જે ૧૪ દિવસ, ૨૫ દિવસ કે તેનાથી પણ વધુ સમય કોરોના પોઝિટિવ રહ્યા હોવાના કેસ નોંધણી થયેલા છે.

લોકોમા હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય સચિવ જયંતિ રવિ પોતે સ્વીકારે છે કે, ગુજરાતમાં ૧૦ માંથી ૭ કેસ સામાન્ય લક્ષણો ધરાવતા પોઝિટિવ દર્દીઓના છે એટલે હવે જો મોટા ભાગના દર્દીઓ કોઈ પ્રકારના ટેસ્ટિંગ વિના ૧૦ દિવસમા જ કોરોના નેગેટિવ થઇને ડિસ્ચાર્જ થઇ રહ્યા છે તો શહેરનો રિકવરી રેટ સુધરે એ તો સ્વાભાવિક છે. તંત્રએ કરવામા આવેલા સુધારાને કારણે શહેરમા કેટલો રિકવરી રેટ વધ્યો અને દેશમાં ડિસ્ચાર્જ કરાતા કેટલા સામાન્ય લક્ષણો ધરાવતા પોઝિટિવ દર્દીઓ ને ૧૦ દિવસમા ટેસ્ટિંગ વિના નેગેટિવ જાહેર કરી દેવામા આવ્યા? આ મુદ્દે હાલ તમામ અમદાવાદીઓ માથુ ખંજવાળી રહ્યા છે.

આંકડાઓની પારદર્શકતા પર ઉઠયા પ્રશ્નો :

અહી મહત્વનુ એ છે કે લોકો એવુ પણ કહી રહ્યા છે કે છેલ્લા અમુક દિવસોથી અમદાવાદમા કોરોનાના ટેસ્ટિંગ અંગે વિગતવાર યાદી અપાતી હતી તે પણ મીડિયાને આપવાની બંધ કરવામા આવી છે. જેથી મીડિયા દ્વારા પણ કોઈ માહિતી વિગતવાર છાપી શકાતી નથી. જેથી આ કોરોના ની ગણતરીમા પાક્કા એવા અમદાવાદી પણ પાછળ રહી ગયા છે. જેથી હાલ, તો માત્ર તંત્ર જ આંકડા આપે અને તંત્ર જ દાવા કરે એવી સ્થિતિ સર્જાણી છે.

તમારુ શુ કહેવુ છે આ અંગે? શુ તંત્ર દ્વારા મીડિયા ને માહિતી ના આપવાનો નિર્ણય યોગ્ય છે? જ્યારે ગાઈડલાઈન મા પરિવર્તન આવ્યુ છે તો શુ આ ૧૪૦ ટકા નો રિકવરી રેટ સચોટ ગણી શકાય? શુ ખરેખર તંત્ર દ્વારા કોરોના ની સમસ્યા ને નિયંત્રણ મા લેવા માટે યોગ્ય પગલા લેવામા આવી રહ્યા છે? આવા તો અનેક પ્રશ્નોની યાદી છે, જે બોલતા-બોલતા સાંજ પડી જશે. માટે આ લેખમા ચર્ચા કરવામા આવેલા મુદ્દાઓ અંગે તમારા અમૂલ્ય પ્રતિભાવ કૉમેન્ટ બોકસમા અવશ્ય આપજો તથા આ માહિતી તમામ અમદાવાદી વ્યક્તિ સુધી આ ખબર ને અવશ્ય શેર કરજો, ધન્યવાદ!

Leave a Reply

Top