
આજે આપણે રૂમાલી રોટલી બનાવતા શિખીશું.મોટાભાગે રૂમાલી રોટી હોટલ પાર્ટીઝ કે ફંક્શનમાં જોવા મળતી હોય છે. આ રોટલી ખાવામાં ખુબજ સરસ લાગે છે. પરંતુ ઘણા લોકોને ઘરે બનાવતા આવડતી નથી તો આજે આપણે અહી તે કેવીરીતે બનાવવી તે શીખવાડીશું.
સામગ્રી:
અડધો કપ મેંદો
અડધો કપ ઘઉનો લોટ
પોણો કપ દૂધ
અડધી ચમચી નમક
બે ટેબલસ્પૂન તેલ
રીત:
એક વાસણ માં મેંદો અને ઘઉનો લોટ લો. ત્યારબાદ તેમાં મીઠું અને તેલ નાખી તેને બરાબર મિક્સ કરો. હવે તેમાં દૂધ નાખી સોફ્ટ લોટ બાંધવો. બહુ ગરમ દૂધ ન હોવું જોઇએ. રોટલીના લોટ કરતાં થોડો વધુ સોફ્ટ લોટ બાધવો. પછી તેમાં થોડું તેલ નાખી લોટ કુણવો પછી તેને ભીના કપડાથી ઢાંકીને થોડી વાર માટે એકબાજુ મૂકી દેવો.
પછી એક વાસણ માં એક ટેબલસ્પૂન મીઠું લઈ અંદર પા કપ પાણી નાખીને મીઠાને ઓગાળવું. ગેસ પર લોખંડ કે એલ્યુમિનિયમની કઢાઇને ઊંધી મૂકવી ત્યારબાદ લોટને મસળીને તેના લુવા બનાવી લેવા. હવે તે લુવાને મેંદામાં રગદોળીને એકદમ પાતળી રોટલી વણવી. વચ્ચે-વચ્ચે મેંદો લગાવતા રહેવું. પછી તે રોટલીને વેલણ પર વીંટી લેવી.
હવે કઢાઇ ને ગરમ કરો ત્યારબાદ કઢાઇ પર મીઠાવાળું પાણી છાંટો, જેથી રોટલી તેના પર સરખી રીતે ચોટે. હવે વેલણ પરથી રોટલી કઢાઇ પર લગાવી દો. થોડીવારમાં રોટલી નીચેથી ચઢી જશે. હવે રોટલી ને ઉલટાવી લેવી.હવે કપડાથી રોટલીને થોડી-થોડી દબાવી ને શેકી લો અને ફોલ્ડ કરી પ્લેટમાં કાઢી લેવી. તો તૈયાર છે રૂમાલી રોટલી. જે ખાવામાં ખુબજ સરસ લાગે છે.