You are here
Home > News >

એક માતા ને તેના પતિ તેમજ ભાઈઓએ ત્યજી, તેનો દીકરો મોટા થઈ પાગલખાને થી પરત લાવી લીધી સંભાળ

મિત્રો, ૬૦ વર્ષ ની વય ધરાવતા નયના તાતરિયા ના મુખ પર સ્મિત આજે અટકવા નુ નામ નહોતું લઈ રહ્યું અને એવું કેમ ના હોય, આજે વર્ષો બાદ તેમની જીંદગી મા એક નવી ઉમીદ ની કિરણ છલકાઈ રહી હતી. એક સમયે સ્ક્રિઝોફ્રેનિયા નામ ની બીમારી નો આ સ્ત્રી શિકાર બની હતી જે પછી તેના પતિ, કુટુંબ અને ભાઈઓ દ્વારા તેને તરછોડી દેવામા આવી હતી. એક ના એક વ્હાલા પુત્ર થી પણ દૂર થવું પડ્યું હતું . નયના ને એવું લાગી રહ્યું હતું કે જાણે તેની જિંદગી પત્તા ના મહેલ ની જેમ વિખેરાઈ રહી છે.

પરંતુ, તેણે ક્યારેય પણ ઉમીદ ના છોડી અને ‘એકલા ચલો રે’ ના સૂત્ર સાથે પોતાના ભાગ્ય સામે એકલા હાથે લડી હતી. આજે ૧૫ વર્ષ ની પ્રક્રૃતિ સામે લડત બાદ અંતે ભાગ્ય પણ તેની સમક્ષ હાર્યું હોય તેમ તેના સુપુત્ર એ ૧૫ વર્ષ બાદ પોતાની માતા ને અપનાવી અને હાલ પોતાના પુત્ર અને પુત્રવધૂ સાથે હર્ષોલ્લાસ પૂર્વક જીવન વ્યતીત કરે છે. નયનાની સમસ્યાઓ નો પ્રારંભ ૧૯૯૩ માં ત્યારથી થયો જ્યારે તેના પતિએ તેણીને અને તેના સંતાન ને તરછોડી દીધા.

ત્યારબાદ નયના પોતાના પુત્ર ઋષિ સાથે અમદાવાદ ના આસ્ટોડિયામા સ્થિત પૈતૃક ઘરમા ભાઈ અને તેના ફેમિલી ની સાથે રહેવા માટે આવી ગઈ. જોકે ભાઈ સાથે ૮ વર્ષ રહ્યા બાદ તેણે ત્યાં પાસે જ એક મકાન ભાડે લીધું અને ઘરેણાં બનાવવા ની છૂટક મજૂરીકાર્ય કરીને પોતાનું અને પોતાના સંતાન નું પેટ ભરતી હતી. પરંતુ, પ્રક્રૃતિ ને કદાચ આ મંજૂર ના હતું તેને કામના રુપિયા મળતા બંધ થઈ ગયા જેના કારણે તે બે માસ સુધી ભાડું ચૂકવી શકી નહીં અને મકાન માલિકે તેનો બધો સામાન રાખીને તેને ઘરની બહાર કાઢી નાખી.

આ બાજુ ભાઈઓના ઘર ના દ્વાર પણ તેમના માટે બંધ થઈ ગયા. ૧૨ વર્ષના પુત્ર સાથે ગીતા મંદિર એસ. ટી. સ્ટેન્ડ ના બાકડા પર નયનાએ આશ્રય લીધો અને ત્યા રહેવા માંડી. માતા અને પુત્ર બંને નિયમિત જગન્નાથ મંદિર તથા જલારામ મંદિરની સદાવ્રતમાં જઈને જમી લેતા હતા અને જેમ તેમ કરીને પોતાનુ જીવન વ્યતીત કરતા હતા. આ કારણોસર નયનાને માનિસક આઘાત પણ લાગ્યો હતો અને દિન-પ્રતિદિન તેની માનસિક હાલત ખરાબ થતી જતી હતી. તે હવે કંઇક અલગ જ વિશ્વ મા રહેવા માંડી હતી અને દરેક લોકો સાથે ઝઘડો કરતી હતી.

આ સમય દરમિયાન તેના ભાઈની પડોશમા રહેતા એક પડોશીએ નયના ની સ્થિતિ ને પારખીને ઋષિને રુપિયા આપી તેના દાદાના ગામ વિરમગામ જવા માટે જણાવ્યું અને ૧૨ વર્ષનો ઋષિ માતા નયના ને અહીં એકલી છોડીને પોતાના દાદા ની પાસે ચાલ્યો ગયો હતો. દાદા અને દાદીએ ઋષિને ખૂબજ પ્રેમપૂર્વક સાચવ્યો અને દાદાએ તેને પોતાની પાસે જ રહીને અભ્યાસ કરવા માટે સમજાવી લીધો. આ તરફ નયનાની હાલત દિવસે-દિવસે કથળી રહી હતી. ૭ વર્ષ સુધી નયના માનસિક રોગીની સ્થિતિ મા ગીતા મંદિર બસ સ્ટેન્ડ ની આજુબાજુ રખડતી રહી.

વર્ષ ૨૦૧૨ માં શહેરના એક એન. જી. ઓ. દ્વારા તેને દિલ્હી દરવાજા પાસે સ્થિત મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તેનું નિદાન કર્યા બાદ ધીમે-ધીમે તેમની માનસિક સ્થિતિ સારી થઈ અને તે પોતાનું નામ અને એડ્રેસ જણાવી શકી. આ સમયે તેને વટવામાં રહેતા પોતાના એક ભાઈનું નામ યાદ આવ્યું અને જણાવ્યું. જેના આધારે એન. જી. ઓ. વાળા એ નયનાના ભાઈને મળ્યા પરંતુ તેણે જવાબદારી લેવા મા હાથ ઊંચા કરી દીધા. જોકે તેની પાસેથી એન. જી. ઓ. વાળા ને જાણવા મળ્યું કે નયનાને પતિ અને પુત્ર પણ છે.

આ માહિતીના આધાર પર એન. જી. ઓ. વાળા એ તેના પતિ રાજેન્દ્રનો સંપર્ક સાધ્યો, જે રાજકોટમાં એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. જેણે પહેલા તો નયનાને ઓળખવાની જ ના પાડી દીધી હતી પરંતુ, પાછળથી જણાવ્યું કે હવે તેની સાથે મારે કોઈ જાતના સંબંધ નથી. તેની પાસેથી નયનાના પુત્ર ઋષિના નંબર મેળવીને એન. જી. ઓ. એ તેનો સંપર્ક કર્યો હતો. ત્યારે માહિતી મળી કે ઋષિ ૨૦૧૩ ના વર્ષ થી જ અમદાવાદમાં જ શિફ્ટ થઈ ગયો છે.

જ્યારે તેને પોતાની માતા વિશે માહિતી મળી કે તે તુરંત જ દવાખાને દોડી ગયો અને માતાને ઓળખી બતાવી. જોકે પોતે પણ હાલ સ્થિર ના હોવાના કારણે માતા ની જવાબદારી લઈ શકે તેમ નહોતો. ઋષિએ જણાવ્યું હતું કે, ‘હું મારી માતા ને છેલ્લા ૮ વર્ષમા ક્યારેય પણ મળ્યો નહોતો. અમારી વચ્ચે ઘણું અંતર આવી ગયું હતું. આ ઉપરાંત મને એ પણ ખ્યાલ નહોતો કે હું તેની સંભાળ કઈ રીતે લઈશ અને રાખી શકીશ કે નહીં.’ જોકે ઋષિએ પોતાની માતાને એકલી મુકી નહીં અને તે અવારનવાર દવાખાને તેની માતા ને મળવા આવતો રહેતો હતો.

આવું ૨ વર્ષ સુધી ચાલ્યું. આ સમયગાળા દરમિયાન તેણે પોતાનો આઉટસોર્સિંગ નો વ્યવસાય પણ શરું કર્યો અને પ્રભુ ના આશીર્વાદ થી તે પણ સારો ચાલી નીકળ્યો. જેથી તેણે ૨૦૧૬ મા નયના ને દવાખાના માંથી ડિસ્ચાર્જ કરાવી. હવે બંને મા-દીકરો ભાડા ના મકાન મા રહેવા માંડ્યા. ૨૦૧૭ ઋષિએ વિવાહ કર્યા અને હોમ લોન લઈને સોલા ભાગવત પાસે એક મકાન ખરીદ્યું. ઋષિએ જણાવ્યું કે, ‘હું જ્યારે દરરોજ તેમને મળવા દવાખાને જતો હતો ત્યારે તે ઘણીવાર મને કહેતી હતી કે, હું તારી સાથે રહેવા માગુ છું.

યોગ્ય સારવાર સાથે તે ધીમે – ધીમે તેમની તબિયત મા સુધારો જોવા મળ્યો જેથી દવાખાના માંથી ડિસ્ચાર્જ કરાવીને મારી સાથે રહેવા માટે લઈ આવ્યો. હવે તેની દવા તો ઓછી થઈ ગઈ છે પરંતુ હજુ પણ તેની કન્સલ્ટિંગ અને સારવાર શરું જ છે. જોકે હું એ વાતે ખુશ છું કે આજે મારી મમ્મી મારી સાથે છે. નયના આજે પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. ઋષિએ પોતાની માતાના સ્વાસ્થ્ય અંગે પોતાની પત્ની સાથે વિવાહ પૂર્વે જ વાત કરી લીધી હતી અને તેણે પણ પોતાની સાસુની આ જવાબદારી હોંશપૂર્વક સ્વીકારી લીધી હતી.

નયના ની સારવાર કરનાર મેન્ટલ હેલ્થ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અજય ચૌહાણે જણાવ્યું ‘માનસિક બીમારી થી પીડાતા દર્દીઓ ને સૌથી વધુ આવશ્યકતા લોકો ના પ્રેમ, પરિવાર ની હુંફ અને કાળજી ની હોય છે. તેમના પુત્ર અને પુત્રવધુ ના પ્રેમ અને હુંફ ના કારણે આજે તેઓ ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.’

Leave a Reply

Top