You are here
Home > Articles >

જાણો આ ૧૦૦ વર્ષના દાદીમા વિશે, જે આત્મનિર્ભર બનીને ચલાવે છે પોતાના ઘરનુ ગુજરાન

મિત્રો, લોકડાઉનના આ સમયમા ગરીબો અને શ્રમિકો તેમના ઘરનુ ગુજરાન ચલાવવા માટે કોઈ તેમની સહાય કરે તેવી આશા રાખતા હતા. પરંતુ, છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગર પર ઉંચે રહેતા ૧૦૦ વર્ષની ઉમર ધરાવતા દાદીમા આ ઉંમરે પણ કોઈની મદદ સ્વીકારતા નથી અને આત્મનિર્ભર બનીને પોતાનુ કામ પોતાની જાતે જ કરે છે. ચારે તરફ ડુંગરાની હારમાળા અને ડુંગર ઉપર કાચા મકાનમા રહે છે એક આદિવાસી પરિવાર. આ ૧૦૦ વર્ષના દાદીને તેમના બે પુત્ર પણ છે.

પરંતુ, ઘરના એક ભાગમા દાદીમા તેમના બંને પુત્રોથી અલગ રહે છે. આ દાદીમા આ ઉંમરે પણ તેમના જીવનનિર્વાહ માટે જંગલમા જઇને મહુડાના ફૂલ, ડોળી, કોકમના ફૂલ જેવી ચીજવસ્તુઓ લઈ આવે છે. આ ચીજવસ્તુઓ ગામથી ૨૦ કિલોમીટર દૂર ક્વાંટ જઈને વેચે છે અને જે પૈસા મળે તેમાથી ખાણીપીણીની ચીજવસ્તુઓ લાવી પોતાનુ ગુજરાન ચલાવે છે.

બે પુત્ર અને તેમનો પરિવાર હોવા છતાપણ દાદીમા સ્વયં જ પોતાનુ ભોજન બનાવે છે અને ફક્ત એટલુ જ નહી પથરાળ રસ્તા પર ભલભલાના હાંજા ગગડી જાય તેવા રસ્તા પર ધખધખતા તાપમા ખુલ્લા પગે ચાલીને એક બેડુ પાણી લઈ આવે છે. ચૂલો સળગાવવા માટે પણ જાતે જ જંગલમા જઈને લાકડા લઈ આવે છે. એવુ નથી કે બંને પુત્રોએ તેમને તરછોડી દીધા છે. પરંતુ, તેમના ઘરના સદસ્યો તેમને કામ ના કરવા અને ઘરમા આરામ કરવાનુ કહે છે પરંતુ, શતાયુ દાદીમાને એવી ખુમારી છે કે હાથ-પગ ચાલે ત્યા સુધી કામ કરતા રહેવાનુ અને કોઈનો સહારો લેવાનો નહિ.

આ ઉંમરે પણ તેઓ ખેતીકામમા ઘરના અન્ય સદસ્યોને સહાયતા કરે છે ફક્ત એટલુ જ નહી ઘરના સદસ્યોને પૈસાની જરૂર પડે તો દાદીમા તેમની પણ સહાયતા કરે છે. છોટાઉદેપુર જિલ્લામા અમુક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદોને સહાયતા કરવા આગળ આવી હતી. પરંતુ, જ્યારે જૈન મુની રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ આ દાદીમાને મળ્યા ત્યારે તેમને કઈક અલગ જ અનુભવ થયો. ગમે તેવી વિકરાળ સમસ્યા કેમ ના હોય પરંતુ, સ્વબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિમા પણ જીવનનિર્વાહ કરી શકાય છે તેનુ, આ શતાયુ દાદીમા જીવનભર આત્મનિર્ભર બની સમાજ માટે પ્રેરણારૂપ દાખલો બન્યા છે.

Leave a Reply

Top