You are here
Home > Articles >

જાણો વાંકાનેરના પૂજાબાની કર્તવ્યનિષ્ઠા વિશે, લગ્નના બીજા જ દિવસે ફરજ પર થઈ ગયા હાજર

મિત્રો, કોઈપણ વ્યક્તિ માટે તેના વિવાહનો પ્રસંગ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવતો હોય છે કારણકે, ત્યારબાદ વ્યક્તિ એક નવા જીવનની શરૂઆત તરફ પગલુ માંડી રહ્યો હોય છે. દરેક વ્યક્તિના દામ્પત્ય જીવનને લઈને અનેકવિધ અરમાન અને સ્વપ્ન હોય છે. પરંતુ, જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને પોતાના તમામ અરમાન અને સ્વપ્નનો ત્યાગ કરીને હાલ, આપત્તિ ના સમયે સંપૂર્ણ નિષ્ઠા થી પોતાની ફરજ બજાવવા માટે ઉપસ્થિત થઈ જાય તો તેને એક “સાચો ફરજનિષ્ઠ કર્મચારી” અવશ્ય કહી શકાય છે.

હાલ, આવી જ ફરજનિષ્ઠાનુ એક જીવતુ-જાગતુ ઉદાહરણ બન્યા છે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સ્ત્રી કર્મચારી. આ સ્ત્રી કર્મચારીએ હાલ દેશ પર મંડરાઇ રહેલા મહાસંકટની અગત્યતા સમજીને પોતાના લગ્ન માટે માત્ર એક જ દિવસની રજા રાખી અને બીજા દિવસથી ફરી તેઓ પોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા હતા. હજુ તો તેમના હાથમા મહેંદી પણ સુકાઇ નહોતી કે મિંઢોળ પણ છૂટ્યુ ના હતુ ત્યા લગ્નના બીજા દિવસે જ લોકડાઉનની ફરજ માટે હાજર રહેતા આ સ્ત્રી કર્મચારીની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા જોઈને સમગ્ર સ્ટાફ દ્વારા તેમનુ જોરદાર તાળીઓથી વિશેષ સન્માન કરવામા આવ્યુ હતુ.

વાંકાનેર તાલુકા પોલીસ કચેરીમા એલ.આર.ડી. તરીકે ફરજ બજાવતા પ્રફુલાબા ઉર્ફે પૂજાબા હસુભા પરમારના વિવાહ ગત તા.૧૭-૦૫-૨૦૨૦ ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે માત્ર ૧૨ કુટુંબીજનો ની હાજરીમા યોજાયા હતા. જોકે લગ્ન એક એવો પ્રસંગ છે કે, જેમા અમુક પ્રકારના સામાજિક રીતરિવાજ નિભાવવાના હોવાથી અને નવા કુટુંબમા પ્રવેશ કરવાનો હોવાથી આવા સ્ત્રી પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી અમુક દિવસોની રજા મળતી હોય છે.

પરંતુ આ સ્ત્રી પોલીસ કર્મચારી પુજાબાએ હાલ વર્તમાન સમયમા કોરોના વાઈરસના સંકટને ધ્યાનમા લઈને લાગુ કરવામા આવેલા લોકડાઉનમા પોતાની પોલીસ તરીકેની જવાબદારી ને વિશેષ મહત્વ આપીને લગ્નની સરકાર તરફથી મળેલી રજા પર સ્વેચ્છાએ કાપ મુકયો હતો. તેમણે ફક્ત પોતાના લગ્નની એક જ ૧ દિવસની રજા રાખી હતી. લગ્ન થયા હોય એટલે હજુ હાથમા મહેંદી પણ સુકાઇ ના હોય તથા મીંઢોળ પણ છૂટ્યો ના હોય તેમ છતા તે લગ્નના બીજા દિવસે જ સમયસર વાંકાનેર તાલુકા પોલીસ પર પોતાની ફરજ બજાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે પોતાના અંગત જીવન કરતા પોતાની ફરજને પ્રાથમિકતા આપી હતી. જેથી, વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર. પી. જાડેજા તથા સ્ટાફ ના અન્ય સદસ્યોએ એકસાથે મળી તેમનુ વિશેષ સન્માન કર્યુ હતુ. હાલ, આ કોરોનાની સમસ્યા સમયે વાસ્તવિક અર્થમા કોરોના વોરિયર સાબિત થયેલ આ સ્ત્રી પોલીસ કર્મચારીની ફરજનિષ્ઠાને મારા શત શત પ્રણામ. જો તમને પણ એવુ લાગે છે કે સ્ત્રી કર્મચારીની કર્તવ્યનિષ્ઠા સાચી છે તો કોમેન્ટ બોકસમા તેમને શુભેચ્છા અવશ્ય પાઠવજો તથા આ લેખ વધુમા વધુ બીજા લોકો સુધી શેર કરીને પહોંચાડજો. ધન્યવાદ !

Leave a Reply

Top