
મિત્રો , હાલ આ કોરોના ની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે અને તેના કારણે સરકારે લોકડાઉનની અવધીમા પણ અવારનવાર વધારો કરતો રહેવો પડે છે. પરંતુ , આ કોરોનાની સમસ્યા ના કારણે અમુક એવા કિસ્સા પણ જોવા મળ્યા છે જે દર્શાવે છે કે હજુ આપણા દેશમા માનવતા જીવંત છે. હાલ , ગુજરાતના રાજ્યમા છેલ્લા ૨૪ કલાકમા માનવતા અને લોકસેવાના બે અવનવા કિસ્સા જોવા મળ્યા. એક તો સોમનાથ ના નવજાત શિશુને મેડીકલ સારવારની આવશ્યકતા જણાતા પેટ્રોલિંગ કરતી પોલીસની ટુકડીએ પોતાના વાહનમા આ શિશુ ને દવાખાને પહોંચાડી તેના જીવ નુ રક્ષણ કર્યુ.
આવી જ રીતે અન્ય કિસ્સો એવો બન્યો કે, ધંધુકા પોલીસે ચેકિંગ દરમિયાન વતન પરત ફરી રહેલી એક પ્રસુતા સ્ત્રીને દવાખાને જવા માટે સમજાવ્યા અને પ્રસુતિ બાદ તેમને વતન સુરક્ષિત પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરી. વાત કઈક એવી છે કે, ભાવનગર ના ગારીયાધાર થી આદિવાસી મજુરોને પોતાના વતન અલીરાજપુર પહોંચાડવા માટે એક બસ નીકળી. આ બસમા એક પ્રસુતા સ્ત્રી અસહ્ય પીડા ભોગવી રહી હતી અને તે જ સમયે બસ ધંધુકા પોલીસે બરવાળા હાઈવે પર બસ તપાસ માટે રોકી.
આ સ્ત્રીની સ્થિતિ જોઇને એવુ લાગી રહ્યુ હતુ કે, બસમા જ તેની ડીલીવરી થઇ જાય. આ ગંભીર પરિસ્થિતિ ને સમજીને પોલીસ દ્વારા આ સ્ત્રીને પહેલા હોસ્પિટલ જવા માટે સમજાવવામા આવી પરંતુ , ખુબ જ મુશ્કેલીથી તેમને વતન પરત જવા માટે મંજુરી મળી હતી એટલે તે કોઈપણ સંજોગે હોસ્પિટલ જવા માટે તૈયાર નહોતી. ત્યારબાદ પોલીસ અધિકારીઓ એ આ સ્ત્રીને સમજાવી કે આવી હાલત માં મુસાફરી કરાવી એ તમારા માટે અને તમારા બાળક માટે બંને માટે જોખમી છે અને રહી વાત તમારી વતન પરત જવા માટેની તો હું તમને બાહેંધરી આપુ છુ કે, તમારી ડીલીવરી થઇ ગયા બાદ તમારા વતન તમને પહોંચાડવા માટે ની સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી આપીશુ.
આટલુ સમજાવ્યા બાદ તે સ્ત્રી માની ગઈ અને ત્યારબાદ તેમને દવાખાને લઇ જવામા આવી. અહી આ સ્ત્રીએ એક તંદુરસ્ત પુત્રીને જન્મ આપ્યો. ત્યારબાદ પોલીસ અધિકારી આર.વી.અન્સારી એ આ સ્ત્રીને બાળકી સાથે સહીસલામત તેના વતન પહોચાડવા માટેની વ્યવસ્થા કરી આપવામા આવી. આમ , આ કાર્ય દ્વારા પોલીસ અધિકારીઓ એ માનવતાનુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.