
મિત્રો, જમ્મૂ કાશ્મીરમા કોરોના વાયરસના કારણે એક ૭૨ વર્ષના વ્યક્તિનુ મૃત્યુ થયા બાદ તેમના અંતિમ સંસ્કારની વિધિ સમયે વાદ-વિવાદ મચી ગયો. અંતિમ સંસ્કાર સ્થળ પર મોટી સંખ્યામા લોકો એકત્રિત થઇ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા. લોકો અહીં કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કારનો વિરોધ કરી રહ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાણી કે મૃતકના પરિવારજનોને અડધા સળગેલા શબને લઇને ત્યાથી ભાગવુ પડ્યુ.
આ ઘટના જમ્મૂ-કાશ્મીરની છે. ડોડા જિલ્લાના નિવાસી આ વ્યક્તિનુ મૃત્યુ સરકારી મેડિકલ કોલેજ જી.એમ.સી. હોસ્પિટલમા સોમવાર ના રોજ થયુ હતુ. આ જમ્મૂમા કોરોના વાયરસ ના સંક્રમણથી ચોથુ મૃત્યુ છે. મૃતક વ્યક્તિના પુત્રએ મીડિયા સાથે વાતચીતમા જણાવ્યુ છે કે, અમે ડોમના વિસ્તારમા અંતિમવિધિ માટે તંત્રની મંજૂરી માંગી હતી. ત્યા મેડિકલ ટીમ સિવાય અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા પરંતુ, અચાનક સ્થાનિક લોકોના એક ટોળાએ તેમના પર હુમલો કરી દીધો અને અંતિમ સંસ્કારની ક્રિયાને રોકી દીધી હતી.
મૃતકના પરિવારજનોનુ કહેવુ એવુ છે કે, અમે સરકાર પાસે મંજુરી માંગી હતી કે તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને પોતાના જિલ્લામા લઇ જવા દેવાની પરવાનગી આપે પરંતુ, અમને કહેવામા આવ્યુ કે, ડોમાના વિસ્તારમા અંતિમ સંસ્કાર માટે તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી લેવાઇ છે અને ત્યા અંતિમ સંસ્કારમા અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. યુવકનો આરોપ છે કે, ઘટના સમયે ત્યા બે પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા પરંતુ, જ્યારે ટોળાએ હુમલો કર્યો તો બંને પોલીસ જવાનોએ તેમને રોકવા માટે કંઇ જ ના કર્યુ.
યુવકે જણાવ્યુ કે, એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને કેટલાક સ્ટાફે ત્યાથી પાછા આવવામા અમારી સહાયતા કરી. અત્રે નોંધનીય છે કે આ ઘટના બાદ મૃતદેહને ભગવતી નગર વિસ્તાર સ્થિત શ્મશાન ઘાટ પર લઇ જવામાં આવ્યું. અહીં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય મોટા અધિકારીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામા આવી.