You are here
Home > News >

સરકારના નિયમો મુજબ જાણો ગુજરાતમા આજથી શું ખુલશે અને શું બંધ રહેશે?

મિત્રો, હાલ લોકડાઉન ૩.૦ ની પૂર્ણાહૂતિ બાદ આજથી લોક ડાઉન ૪.૦ નો શુભારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે આ અંગે ઘણી જાહેરાતો કરી હતી. તેમણે ગઇકાલે જાહેરાત કરી હતી કે, કન્ટેનમેન્ટ ઝોન ની બહાર એટલે કે બહાર સાબરમતી નદીની પૂર્વ દિશા તરફનુ અમદાવાદ શહેર અને સુરત શહેરને બાદ કરતા સમગ્ર રાજ્યમા તમામ આર્થિક પ્રવૃત્તિઓ સવારના ૮ વાગ્યાથી લઈને બપોરના ૪ વાગ્યા સુધી કરી શકાશે.

આમ, ગઇકાલની જાહેરાત બાદ હાલ હવે ફક્ત અમદાવાદના પૂર્વ વિસ્તાર અને રાજ્યના અન્ય કન્ટેનમેન્ટ ઝોનની અંદાજિત ૫૦ લાખ જેટલી વસ્તી જ લોકડાઉન હેઠળ રહેશે. હાલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામા આવેલી આ જાહેરાત બાદ ૯૨ ટકાથી પણ વધુ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ મળશે.

કન્ટેનમેન્ટ ઝોન બહારના સમગ્ર રાજ્યના તમામ વિસ્તારોમા એસ.ટી. બસો અને સિટી બસો દોડાવવા માટેના આદેશ મળી ચૂક્યા છે. હા, અમદાવાદમા હજુ પણ એસ.ટી.ના પ્રવેશ પર તથા એ.એમ.ટી.એસ. તથા ઓટો રિક્ષા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. હોટેલ-રેસ્ટોરા હજુ પણ સમગ્ર રાજ્યમા બંધ રહેશે પરંતુ, તેમને હોમ ડિલિવરી માટે છૂટછાટ આપવામા આવી છે. આ સિવાય હાઈવે પરના ઢાબાં-રેસ્ટોરા તથા હોટેલોને ખોલવા માટે છૂટછાટ અપાઈ છે.

આ સિવાય સમગ્ર ગુજરાત રાજ્યમા લગ્ન પ્રસંગ માટે ૫૦ વ્યક્તિની અને મરણવિધિ માટે ૨૦ વ્યક્તિની મંજૂરી અપાશે. ગુજરાત સરકારે દિલ્હી સરકારની ઓડ-ઇવન એટલે કે એકી-બેકી સંખ્યાની નીતિ અપનાવી છે. સુરતમા કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલ ટેક્સ્ટાઇલ માર્કેટ ઓડ-ઇવન નંબરના આધારે તેમજ ડાયમંડ તથા પાવરલૂમ્સ એકમો ૫૦ ટકા ક્ષમતાથી ચલાવવા માટે આદેશ અપાયો છે.

આવી જ રીતે સાબરમતી નદીના પશ્ચિમ તરફના અમદાવાદમા પણ દુકાનો, માર્કેટ કોમ્પ્લેક્સીસ ઓડ-ઇવન નંબરથી ખોલવા માટે સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીએ આ બધી જાહેરાતો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કરી. આ સમયે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર હતા.

ઓટોરિક્ષા, કેબ તથા ટેક્સીમા ફક્ત બે પ્રવાસી, બાઈક પર એકની મંજૂરી :

ગુજરાતમા કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમા ઓટોરિક્ષા, કેબ, ટેક્સી, માલવાહક વાહનો ચલાવવાની છૂટછાટ આપવામા આવી છે. પરંતુ, રિક્ષા, કેબ, ટેક્સી તથા પ્રાઇવેટ વાહનમા ડ્રાઇવર અને તે સિવાયના બે જ વ્યક્તિને બેસાડવાની છૂટ આપવામા આવી છે. આવી જ રીતે મોટરસાઈકલ પર ફક્ત એક જ વ્યક્તિને છૂટ આપવામા આવી છે, પાછળ કોઈને બેસાડી શકાશે નહી.

ઓડ-ઇવન ની પદ્ધતિ દુકાનદારો અને સ્થાનિક તંત્ર દ્વારા નક્કી કરવામા આવશે :

સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમા દિલ્હીની જેમ ભીડભાડ ઘટાડવા માટે ઓડ-ઇવન પદ્ધતિ દાખલ કરવામા આવી છે. તે મુજબ ૫૦ ટકા દુકાનો એક દિવસ ચાલુ રહેશે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ચાલુ રહેશે. આ પદ્ધતિમા કઈ દુકાનો ક્યારે ચાલુ રાખવી તે અંગે સ્થાનિક દુકાનદારો અને તંત્ર ભેગા મળીને નક્કી કરશે.

કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમા યથાવત્ સ્થિતિ :

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, હાલ પૂરતુ કન્ટેનમેન્ટ ઝોનમા લોકડાઉન યથાવત રખાશે એટલે કે સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી દૂધ-શાકભાજી-દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજો સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં મળે.  હજુ પણ સમગ્ર ગુજરાતમા શાળા-કોલેજો, જિમ, સ્વિમિંગ પૂલ, બગીચા, શોપિંગ મોલ, થિયેટર ખોલવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય ધાર્મિક, સ્થળો પર પણ પ્રતિબંધ યથાવત રહેશે.

આ સિવાય તમામ ઓફિસો ૩૩% ક્ષમતાથી કાર્યરત કરાશે. ગુજરાતમા કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમા ખાનગી વ્યાપાર તથા ધંધાની ઓફિસો, કન્સ્લટન્સી ફર્મ્સ વગેરે ૩૩ ટકા કાર્યક્ષમતા સાથે સવારના ૮થી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હા, આ દરમિયાન પણ માસ્ક પહેરવું પડશે, સેનિટાઇઝરની વ્યવસ્થા કરવી પડશે તથા સામાજિક અંતર પણ જાળવવું પડશે.

લાઇબ્રેરી ૬૦ ટકા સીટિંગથી કાર્યરત :

પબ્લિક લાઈબ્રેરી ૬૦ ટકા કાર્યક્ષમતા સાથે ચલાવી શકાશે. આવી જ રીતે ગેરેજ, સર્વિસ સ્ટેશન્સને પણ કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમા ખુલ્લા રાખવા માટે મંજૂરી આપવામા આવી છે.

અમૂલ પાર્લરો પર વહેંચવામા આવશે થ્રી-લેયર માસ્ક :

ગુજરાતમા અમૂલ પાર્લરો પર માસ્કના વેચાણની વ્યવસ્થા કરવામા આવશે. અહી થ્રી-લેયર માસ્ક ૫ રૂપિયામા અને એન-૯૫ માસ્ક ૬૨ રૂપિયામા મળશે. સરકાર હાલ આ અંગે વ્યવસ્થા કરી રહી છે.

આ સિવાય માસ્ક વિના નીકળનાર તથા રસ્તા પર થૂંકનાર વ્યક્તિ ને રૂ. ૨૦૦નો દંડ :

ગુજરાતમા જાહેર સ્થળ પર નિકળનારી દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે, જો માસ્ક નહી પહેરેલુ હોય તો રૂ. ૨૦૦નો દંડ થશે. આવી જ રીતે જાહેર સ્થળ પર થૂંકનારાને પણ રૂ. ૨૦૦નો દંડ થશે.


.
પાનના ગલ્લે ભીડ એકઠી ના થવી જોઈએ :

ગુજરાતમા હાલ પાન, બીડી, માવાની તથા દુકાનો ને કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમા છૂટછાટ અપાઈ છે પરંતુ, અહી માણસોનુ ટોળુ ભેગુ ના થવુ જોઇએ. નહિતર જે તે દુકાનદાર સામે કડક પગલા લેવામા આવશે.

આમ, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાષણમા જે પ્રમાણે લોકડાઉન ૪.૦ અંગે રજૂઆત કરવામા આવી હતી તેવી જ રીતે આ લોકડાઉન નવા રંગ-રૂપો થી ભરેલુ છે. હાલ , સંપૂર્ણ દેશ આર્થિક મંદીમા સપડાઈ ગયો છે ત્યારે એવી આશા છે કે લોકડાઉન ૪.૦મા લેવાયેલા આ નિર્ણયો આપણા દેશ માટે હિતકારી સાબિત થાય. તમારુ શુ કહેવુ છે આ બાબતે? જો તમે આ બાબતે પોતાના કોઈ મંતવ્ય અથવા વિચારો રજૂ કરવા ઇચ્છતા હોવ તથા તમારા મતે આ નિર્ણયોમા કોઈ પરિવર્તન લાવવાની આવશ્યકતા છે તો અહી કૉમેન્ટ બોકસમા અમને અવશ્ય જણાવજો. ધન્યવાદ !

Leave a Reply

Top